વિદાય સમારોહ – 2025
તારીખ: 28-03-2025
સ્થળ: સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ
દરેક વિદ્યાર્થીના જીવનમાં એક મજબૂત આધારશિલા શાળાજીવન હોય છે. શાળાનું વિદાય સમારોહ માત્ર એક પડાવનો અંત નહીં, પરંતુ નવી ઉંચાઈઓ સર કરવાના સંકલ્પનો આરંભ છે. સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે 28 માર્ચ 2025 ના રોજ ધોરણ 8 ના વિધ્યાર્થીઓ માટે ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
સન્માનનીય મહેમાનો અને તેમનું માર્ગદર્શન
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા અને આશીર્વચન આપવા માટે વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા. પે. સે. સ્ટેશન પ્લોટ કુમારશાળાના આચાર્ય શ્રી બાબુભાઈ રાઠોડ, પે. સે. કુમાર શાળા રાણાવાવ ના આચાર્ય શ્રી ગૌતમભાઈ પંડ્યા, CRC Coordinator શ્રી દિવ્યેશભાઈ તથા વાલીગણ એ બાળકોને આગલા જીવન માટે અનમોલ માર્ગદર્શન પૂરું પાડ્યું. મહેમાનોના ઉદ્બોધન દરમિયાન વિદ્યાર્થીઓ માટે સકારાત્મક સંદેશો આપવામાં આવ્યો, જેમાં ભાવિ જીવનના સારા અભ્યાસ, સંસારિક નૈતિક મૂલ્યો અને સંસ્કારનું મહત્વ સમજાવાયું.
સાંસ્કૃતિક કાર્યક્રમ: શ્રેષ્ઠ કૃતિઓની રજૂઆત
વિદ્યાર્થીઓ માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયન, નૃત્ય, વક્તૃત્વ, નાટક અને સંવાદ જેવી વિવિધ કૃતિઓ રજૂ થઈ. વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. 24 થી વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા, જે માટે શાળા પરિવાર ગૌરવ અનુભવે છે. આ અવસર પર શાળાના શિક્ષકમંડળે તમામ વિદ્યાર્થીઓની મહેનત અને ઉત્સાહની પ્રશંસા કરી.
વિદાય નહીં, ભવિષ્ય નિર્માણ – પ્રેરણાદાયી ઉદ્બોધન
વિદાય સમારોહ માત્ર શાળાથી વિદાય લેવા માટે જ નહિ, પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણ માટે એક મહત્ત્વપૂર્ણ તબક્કો બની રહે, એ ઉદ્દેશ સાથે એક વિશેષ સેમિનાર નું પણ આયોજન કરવામાં આવ્યું. શ્રી ગૌતમભાઈ પંડ્યાએ વિદ્યાર્થીજીવનના મહત્વપૂર્ણ તબક્કા વિશે ઉંડાણપૂર્વક વાત કરી. તેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, કલા, ખેલકૂદ અને જીવનકૌશલ્ય જેવા વિષયોમાં આગળ વધવા માટે પ્રેરણા આપી. તેમના ઉદ્બોધન દરમિયાન વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઈ ગયા.
પછી શ્રી દિવ્યેશભાઈએ જીવન ઘડતર અંગે વિશિષ્ટ ઉદાહરણો સાથે સુંદર રજૂઆત કરી, જેમાં શિક્ષણનું હેતુ માત્ર શૈક્ષણિક સફળતા નહીં, પણ સંસ્કાર અને સમાજ માટે જવાબદારીયુક્ત નાગરિક બનવા માટેની તાકાત મેળવવી છે, એ બાબત પર ભાર મૂકાયો. તે પછી શ્રી બાબુભાઈ રાઠોડે બાબાસાહેબ આંબેડકરજીના આદર્શ જીવન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો, અને શિક્ષણના મહત્ત્વને સમજૂતીભરી ભાષામાં રજૂ કર્યું.
શાળાના આચાર્યશ્રીએ બાળકોને મૂલ્યલક્ષી જીવન નિર્માણ માટે અનમોલ આશીર્વાદ આપ્યા. તેમનો સંદેશ હતો કે, જીવનમાં શિખર સુધી પહોંચવા માટે નિશ્ચય, મહેનત અને શિસ્ત જરૂરી છે. શાળાના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસભર શબ્દો આપ્યા અને તેમને સન્માન સાથે ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી.
આદર અને આભાર – સમારોહની સમાપ્તિ
વિદાય સમારોહના અંતે, શાળા પરિવાર અને તમામ વિદ્યાર્થીઓ માટે ભવ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું, જે ભરતભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું. સમગ્ર શાળા પરિવાર તરફથી ભરતભાઈને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો, કેમ કે શિક્ષણના મહત્ત્વને સમજી, ભવિષ્યની પેઢી માટે આવા શુભ કાર્યમાં યોગદાન આપવું ખરેખર પ્રશંસનીય છે.
આ ઉલ્લાસભર્યા વિદાય સમારોહે વિદ્યાર્થીઓ માટે એક અનુકરણશીલ અને પ્રેરણાદાયી સંભારણું છોડી ગયું, જે તેમની આગલી શૈક્ષણિક સફરમાં તેમની સાથે રહેશે.



No comments:
Post a Comment