Wednesday, 24 June 2026

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2026

 

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો

રાણાવાવ સ્થિત સ્ટેશન પ્લોટ કન્યા શાળા ખાતે તા. 25/06/2026 ના રોજ કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કિરણભાઈ પરમાર સાહેબ , ભૂસ્તરશાસ્ત્રીશ્રી, ખાણ અને ખનિજ વિભાગ, પોરબંદર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજનમાં શ્રીમતી ભારતીબેન મોઢવાડિયા દ્વારા લાયઝન તરીકે મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં SMC ના તમામ સભ્યો, SMC અધ્યક્ષ શ્રી ભરતભાઈ, સમાજ અગ્રણી શ્રી હસનભાઈ, વાલીશ્રીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 100 થી વધુ વાલીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી.

કાર્યક્રમની શરૂઆત દીકરીઓ દ્વારા સુંદર નૃત્યમય પ્રાર્થના રજૂ કરી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થિની રાબિયાબસરી દ્વારા વિજ્ઞાન વિષય પર પ્રેરણાદાયી અને માહિતીસભર રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાઠવવામાં આવેલ સંદેશનું વાચન કરવામાં આવ્યું હતું તેમજ સૌ ઉપસ્થિતોને શિક્ષણ અને દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આંગણવાડીના બાળકોને તેમના વિભાગ તરફથી પ્રાપ્ત થયેલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર 29 દીકરીઓને શાળા તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શાળાની વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર દીકરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષા અને ઝોન કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થિનીઓને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત CET પરીક્ષાની મેરિટમાં સ્થાન મેળવનાર 15 દીકરીઓ, જ્ઞાન સાધના પરીક્ષાની મેરિટમાં સ્થાન મેળવનાર 4 દીકરીઓ તેમજ NMMS પરીક્ષાની મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થિનીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિવૃત્ત શિક્ષક શ્રી સુરેશભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તમામ સન્માન અને કીટ વિતરણનો કાર્યક્રમ મુખ્ય મહેમાન શ્રી કિરણભાઈ પરમાર સાહેબના હસ્તે સંપન્ન થયો હતો. પોતાના ઉદબોધનમાં તેમણે વાલીઓ અને બાળકો સાથે અત્યંત સહજતા અને આત્મીયતાપૂર્વક વાર્તાલાપ કર્યો હતો. તેમણે જીવન ઘડતર, મૂલ્ય શિક્ષણ, વર્તમાન સમયમાં દીકરીઓના શિક્ષણનું મહત્વ, આત્મનિર્ભરતા અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ અંગે માર્ગદર્શક વિચારો રજૂ કર્યા હતા. દીકરીઓને ભણાવવા અને સમાજમાં તેમની સક્રિય ભાગીદારી વધારવા અંગેની તેમની પ્રેરક વાતોએ સૌને પ્રભાવિત કર્યા હતા.

કાર્યક્રમના અંતર્ગત મુખ્ય મહેમાન, SMC સભ્યો અને વાલીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં શાળાના શૈક્ષણિક વિકાસ, વિદ્યાર્થીઓની પ્રગતિ અને જીવન ઘડતર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી કિરણભાઈ પરમાર સાહેબ દ્વારા વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અંતમાં શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ જોશી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. તેમણે વાલીશ્રીઓ સાથે બાળકોના જીવન ઘડતર અને ગુણવત્તાસભર શિક્ષણ અંગે ચર્ચા કરી હતી. કાર્યક્રમના સમાપન પૂર્વે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સ્ટાફ બેઠક યોજી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, પ્રેરણા અને શિક્ષણપ્રેમના વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.





.




No comments:

Post a Comment

Save Water ,Reduce Plastic Pollutionકાર્યક્રમ

  સ્ટેશન પ્લોટ કન્યા શાળા, રાણાવાવ ખાતે બે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો સંપન્ન GEER Foundation સંચાલિત Environment Education Programme (EEP) 2...